કસી, કઈ બાવળ કે ઝીણઝીણીયા તરીકે ઓળખાતો આ ગુલાબી રંગના સુંદર ફુલોવાળો બાવળ છે.

                              તેનું બોટનિકલ નામ મીમોસા હેમાટા (Mimosa hamata) છે,

                               જે મીમોઝેસી (Mimosaceae) કુળની વનસ્પતિ છે.

                              તેનું સામાન્ય નામ હૂકેડ મીમોસા (Hooked Mimosa) છે.

 

                           ભારતમાં તે આંધ્રપ્રદેશ, દિલ્હી, ગુજરાત, હરિયાણા, કર્ણાટક, કેરળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, પોંડિચેરી, પંજાબ, રાજસ્થાન, તમિલનાડુ અને ઉત્તર પ્રદેશમાં જોવા મળે છે.તેના ક્ષુપ 3 થી 5 ફીટ જેટલા ઊંચા થાય છે. તેમાંથી ઘણી શાખાઓ નીકળે છે, જે ઘણીવાર સરખી રીતે ગોઠવાઈને જાણે ગોળાકાર કટ કરી હોય તેવી સુંદર દેખાય છે. શાખાઓ અને પ્રકાંડ પર વાળની રૂંવાટી અને તીક્ષ્ણ અણીદાર થોડા વાંકા વળેલા કાંટાઓ આવેલા હોય છે. પર્ણ એકાંતરે આવેલા અને દ્વી પીંછાકાર સયુંક્ત પર્ણ જોવા મળે છે. પર્ણની નીચે બે ઉપપર્ણ જોવા મળે છે. પત્રકોણમાંથી પાતળી અને લાંબી પુષ્પ ધારણ કરતી સળી નીકળે છે. તેના પર વાળની રૂંવાટી અને 2 - 4 નાના કાંટાઓ પણ હોય છે. સળીના ઉપરના ભાગે ઘણા સુક્ષ્મ ફિક્કા કે ઘેરા ગુલાબી રંગના ફૂલો પાસ પાસે આવી એક ગોળાકાર દડા જેવી રચના બનાવે છે. ફૂલો સુગંધિત અને કરમાય છે ત્યારે સફેદ રંગના થઈ જાય છે. પુકેસર અને સ્ત્રીકેસર દલપત્રથી લાંબા હોય છે. પરાગકોષ પીળા રંગનો અને પુકેસરતંતુઓ ગુલાબી રંગના હોય છે. શિંગો વાંકી, ચપટી, સાંધાવાળી અને તેની બને કોર પર કાંટાઓ હોય છે. બીજ લીસાં, ચળકતાં અને ચપટા હોય છે. આ વનસ્પતિ રસ્તાઓની બાજુએ, વાડી અને ખેતરોના શેઢે અને ડુંગરોમાં ઊગે છે.

તેના મૂળ 'દમનું દાતણ' કહેવાય છે, તે દમ અને ઉધરસમાં ઉપયોગી છે. તેના મૂળનો રસ પીવાથી ઝાડા તરતજ મટે છે.

જીનુસનું નામ મીમોસા, લેટિન શબ્દ મીમસ પરથી આવ્યું છે જેનો અર્થ માઇમ ( પ્રાણીની પ્રતિક્રિયાઓ સામે મૂર્જાય જવાની નકલ ) પરથી આવ્યું છે. હેમાટા લેટિન શબ્દ છે, જે કાંટાનો આકાર (હૂકેડ) સૂચવે છે.

બ્રાઈટ બબુલ બ્લુ (Bright Babul Blue – Azanus ubaldus) પતંગિયાના લાર્વાનો હોસ્ટ પ્લાન્ટ છે.

53.jpg