નાની દુધેલી કે ઝીણકો ઠાકરઠુમરો ખેતરોમાં ઉગતું એક સામાન્ય નિંદણ છે.

તેનું બોટનિકલ નામ યુફોર્બિયા થાઈમિફોલિયા (Euphorbia thymifolia) છે,

તે યુફોર્બિયેસી (Euphorbiaceae) કુળની વનસ્પતિ છે.

તે ગલ્ફ સેન્ડમેટ (Gulf Sandmat), થાઇમ લીવસ સ્પર્જ (Thyme leaves spurge),

ચિકનવીડ (Chickenweed), ડ્વાર્ફ સ્પર્જ (Dwarf spurge),

રેડ કોસ્ટિક ક્રીપર (Red caustic creeper) વગેરે જેવા સામાન્ય નામોથી ઓળખાય છે.

તેને કચ્છી ભાષામાં છાપરી દૂધી, છીરવલ, સનીદૂધી અને પટદૂધી કહે છે,

જ્યારે સંસ્કૃતમાં दुग्धिका, गोरक्षदुग्धी, लघुदुग्धिका, नागार्जुनी, અને रक्तबिन्दुच्छद કહે છે.

તે મૂળરૂપે અમેરિકાના ઉષ્ણકટિબંધીય અને ઉપ ઉષ્ણકટિબંધીય વિસ્તારોનું મૂળ વતની છે,

હાલ નરમ, વાળના આવરણ વાળો જમીન પર પથરાતો છોડ છે. પ્રકાંડ પાતળુ, નળાકાર, આછું લીલું, ગુલાબી કે ઘેરા જાંબુડિયા રંગનું હોય છે. પ્રાકાંડ સફેદ દુધવાળુ અને 10 - 20 સેમી જેટલું જમીન પર ફેલાયેલું જોવા મળે છે. શાખાઓ ચોતરફ ફેલાયેલી, પાતળી, લાલ અને વાળના આવરણવાળી હોય છે. પર્ણ સાદા, સામસામે, અંડાકાર કે ગોળાકાર, નાનાં અને આધાર પાસે અસમાન હોય છે. નર અને માદા ફૂલો અલગ અલગ અને ઘણ સુક્ષ્મ હોય છે. નર ફૂલો 1 - 4 ના જૂથમાં આવે છે. ફળ સુક્ષ્મ, ગોળાકાર, 3 ખાંચાઓ વાળા હોય છે. બીજ લાલાશ પડતાં બ્રોઉન રંગના હોય છે.

​ઉપિયોગ 

તે શામક, કડવો, તીખો, ઉષ્ણ સુગંધિત અને ઉત્તેજક છે. તે પરંપરાગત રીતે રક્ત શુદ્ધિકરણ, ઝાડા અને કબજિયાત અને ઉધરસમાં એન્ટિવાયરલ તરીકે વપરાય છે. આંતરડાના રોગોમાં બાળકોને છાશ સાથે સૂકા પાંદડા અને બીજ આપવામાં આવે છે. તેના મૂળ ગોનોરિયા નામના રોગમાં વપરાય છે. ચામડીના રોગોના ઉપચાર માટે તેના તેલનો ઉપયોગ ઔષધીય સાબુમાં થાય છે. તેના તેલનો સ્પ્રે માખી અને મચ્છરને દૂર રાખવામાં ઉપયોગી છે. ચરક સૂચવે છે કે દુધેલી ઝાડા, પીડાદાયક રક્તસ્રાવવાળા હરસમાં માટે તે સૂપનો એક ઘટક છે.

જીનસ યુફોર્બિયા, યુફોર્બસ નામ પરથી આપવામાં આવ્યું હતું, જે ઉત્તર આફ્રિકાના એક પ્રાચીન દેશ મોરિટાનિયાનાના રાજા જુબાનો ચિકિત્સક હતો. થાઈમિફોલિયાનો અર્થ થાઇમ-લીવેડ (થાઇમસ જેવા પર્ણો) થાય છે, આ નામ ક્યારેક આ પ્રકારના પાંદડાવાળા છોડને આપવામાં આવે છે.

સંદર્ભ
1. અ રિવ્યૂ ઓન ફાયટો-ફાર્માકોલોજિકલ પોટેન્સિયલ્સ ઓફ યુફોર્બિયા થાઇમિફોલિયા.
2. કચ્છ સ્વસ્થાનની વનસ્પતિઓ અને તેની ઉપયોગિતા - જયકૃષ્ણ ઈન્દ્રજી
3. વનસ્પતિશાસ્ત્ર - જયકૃષ્ણ ઈન્દ્રજી