ઉંધાફુલી એ ખૂબજ ઉપયોગી આયુર્વેદિક વનસ્પતિ છે.

તેના ફૂલ ઉંધા રહે છે માટે તેને ઉંધાફુલી કહે છે.

તેનું બોટનિકલ નામ ટ્રાઈકોડેસમા ઈન્ડિકમ (Trichodesma indicum) છે,

જે બોરાજીનેસી (Boraginaceae) કુળની વનસ્પતિ છે અને તેને અંગ્રેજીમાં ઇન્ડિયન બોરેજ (Indian Borage) તરીકે ઓળખવામાં આવે છે. તે અફઘાનિસ્તાન, ભારતીય ઉપખંડ અને મ્યાનમારનું મૂળ વતની છે.

        તેના છોડ ચોમાસે જોવા મળે છે. તે 1 થી 2 ફીટ ઊંચા થાય છે, ઘણીવાર તેની શાખાઓ જમીન પર ફેલાયેલી હોય છે. પ્રકાંડ ફિક્કા લીલા કે લાલ રંગના અને તેના પર લાંબા વાળની રુવાંટી હોય છે. પર્ણ લાંબા, નીચેના ભાગમાં આંતરે અને ઉપરના ભાગમાં સામસામાં તથા બંને સપાટી પર ખરબચડાં વાળ આવેલા હોય છે. ફૂલ પત્રકોણમાંથી, તેને સામેની બાજુએથી અને શાખાઓના છેડેથી નીકળે છે. ફૂલ ગુલાબી, જાંબુડી કે આસમાની રંગના અને ઉંધા વળેલા હોય છે. વજ્રપત્રો 5 લીલા રંગના અને તેના પર લાલ રંગની છાયા જોવા મળે છે. ઉપરના ભાગે સાંકડા અને અણીદાર હોય છે. દલપત્રો 5 હોય છે. પુંકેસર 5, તંતુઓ ટૂંકા અને પરાગકોષ લાંબા, ભલ્લાકૃત અને એક બીજા સાથે જોડાઈને શંકુ આકાર બનાવે છે. તેના છેડા એક બીજામાં બેન્ડ વળેલા હોય છે. ફળ ઊભા, બહાર સફેદ રંગના અને 4 વિભાગવાળા હોય છે. તેનો આખો છોડ ખરબચડી રૂંવાટી ધરાવે છે.

ઉંધાફુલીની ગુજરાતમાં 3 પ્રજાતિ અને 2 ઉપ - પ્રજાતિ જોવા મળે છે.
1. ટ્રાઈકોડેસમા આફ્રિકનમ (Trichodesma africanum)
2. (a) ટ્રાઈકોડેસમા ઈન્ડિકમ‌ એમ્પ્લેક્સિક્યુલ (Trichodesma indicum var. amplexicaule) 
(b) ટ્રાઈકોડેસમા ઈન્ડિકમ ઈન્ડિકમ (Trichodesma indicum var. indicum)
3. ટ્રાઈકોડેસમા સેજવિકિયેનમ (Trichodesma sedgwickianum)
4. ટ્રાઈકોડેસમા ઝાયલેનિકમ (Trichodesma zeylanicum)

       સૌરાષ્ટ્રના ખેડૂતો તેના છોડનો એક સુટકો કરે છે જો તેના બળદની કાંધ પાકી હોય ને તેમાં જીવાત થઈ હોય તો દિતવાર મંગળવાર સૂર્યોદય પહેલાં તેના છોડને મૂળ સોતો કાઢી બળદનું નામ લઈ તે છોડને ઉંધો વાળે છે, ને પછી તે છોડ બળદના કાંધે કે શિંગડે બાંધે છે. આમ કરવાથી જીવાત મરીને ખરી પડે છે એવું તે લોકો માને છે. તેના મૂળને પથ્થર પર વાટીને લેપ સંધિવા પર લગાડાય છે. તેના છોડનો ક્વાથ સર્પદંશ ઉપર પવાય છે. તેના ફૂલ સાંકર સાથે પ્રમેહના દર્દીને ખવડાવાય છે. તેના બીજની ગોળી મધ કે સાંકાર સાથે દમ અને ઉધરસમાં ઉપયોગી છે. તેનો છોડ પેશાબની બળતરામાં રાહત આપે છે.

ટ્રાઈકોડેસમા (Trichodesma) ગ્રીક શબ્દ 'થ્રીક્સ' (thrix) અથવા 'ટ્રાઈકોસ' (trikhos) માંથી આવ્યો છે જેનો અર્થ "વાળ" થાય છે જ્યારે 'ડેસમ' (desme) એટલે બેન્ડ અથવા બંડલ; વળાંકવાળા વાળ અથવા ચંદ્ર આકાર જે પુંકેસરને બંધ કરે તેવું સૂચવે છે.

ઈન્ડિકમ‌ એટલે ભારતનું અથવા ભારતમાંથી એવો થાય છે.

તેના ફૂલ ઉંધા રહે છે માટે તેને ઉંધાફુલી કહે છે.

Designed & Developed By

Yogi Art (Designer In All Field)

Jagdish M Raval 

​Government Ayurved Hospital Himatnagar 

 Mob.9427695024 / 7990534470